કાળો ડુંગર
પચ્છમાઇ પીર પર્વ માળામા કાળો ડુંગર, કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે. કાળો ડુંગર પર્વતોની ભૂસ્તરશાસ્ત્ર રચનાની રીતેકચ્છમાં સૌથી જૂનું છે જે ૧૯૦ મિલિયન વર્ષો ની વયના છે. કાળા ડુંગરના ચૂનાના પત્થર એ ભારતમાં સૌથી અનોખા છે જેમાં સંખ્યાબંધ બ્રેચીયોપોડ અવશેષો સાથે ચેર્ટ નોડ્યુલ્સ હોય છે. ચૂનાના પત્થર બેસાલ્ટ જેવા અગ્નિની ખડકો જેટલા કઠણ અને કાળા છે.
કાળાડુંગરના ખડકો જુરાસિક સમયગાળા દરમિયાન ઊંડા દરિયાની સ્થિતિ હેઠળ રચાય છે જ્યારે ડાયનાસોર ખંડોમાં ભટકતા હતા. ઊંડા પાણીમાં રહેતા પ્રાણીઓના અવશેષો કાળાડુંગરના ઉચ્ચ શિખરો પર જોવા મળે છે. કાળો રંગીન કઠણ ચૂનાના પત્થર પર પડેલા ક્રીમ રંગીન ચૂનાના પત્થરો અને છીપના ખડકો છે.
આ કદાચ માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો ૩૬૦ અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે; તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે.
કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે.
કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવાય છે જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે.
કોટેશ્વર મંદિર
કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.
સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે.
કોટાઈ મંદિર (સૂર્ય મંદિર)
કોટાયમાં જૂના નગરના અવશેષો તેમજ અનેક ખંડેર મંદિરો આવેલા છે જે લગભગ દસમી સદીના છે.સૂર્ય મંદિર, જેને રા લખાના અથવા લખા ફુલાનીને નામથી ઓળખવામાં આવે છે જે પશ્ચિમ તરફના દ્વાર વાળુ છે.. સીમેન્ટ ના ઉ૫ગયો વગર, અંશતઃ પીળા અને અંશતઃ લાલ પથ્થરનું બનેલા છે. આ મંદિરનું ગર્ભગૃહ ચોરસ આકારનું છે જેની લંબાઈ ૮ ફૂટ ૬ ઈંચ (૨.૫૯ મીટર) છે. આ મંદિરની દિવાલો ૨ ફૂટ ૭ ઈંચ (૦.૭૯ મીટર) જાડી છે. તેના ગર્ભગૃહની પ્રદક્ષિણા કરવા માટે તેની ફરતે ૨ ફૂટ ૬ ઈંચ પહોળો ગલિયારો છે. આ ગલિયારો પથ્થરમાં કોતરેલી બે જાળીઓ માંથી આવતી પ્રાકૃતિક રોશની દ્વારા પ્રકાશિત રહે છે. આ મંદિરનું મંડપ ૧૮ ફૂટ ૯ ઈંચ (૫.૭૨ મીટર) પહોળું હતું. મંડપની માત્ર ઉત્તરી દીવાલ હવે શેષ રહી છે. તે દીવાલ પર સારી રીતે કોતરેલા શિલ્પો આવેલા છે. આ મંદિરના શિખરો પણ આઠ ત્રિકોણાકાર કૃતિઓની અલંકૃત સજાવટ છે. આ કૃતિઓ ચૈત્ય જેવા આકારની છે અને તેમને શિખરની ચારે બાજુએ મુકવામાં આવી છે. આ કૃતિઓની વચ્ચે સુંદર માનવાકૃતિઓ કોતરવામાં આવેલી છે. શિખર ઉપર ચડતા આ ત્રિકોણાકાર કૃતિ એકની ઉપર એક ઘટતા આકારમાં પુનરાવર્તિત આવી છે. શિખરના ચારે ખૂણે નાના નાના શિખરો એકની ઉપર એક એમ મુકવામાં આવેલા છે અને તેમની રચના મુખ્ય શિખરને મળતી આવે છે. શિખરની બહારની બાજુએ સુંદર અલંકૃત કોતરણી કરવામાં આવી છે. મંદિર સંકુલની આસપાસ યક્ષોની ઘણી મૂર્તિઓ આવેલી છે. મંદિરના દરવાજાને ફ્રિજ પર બે પંક્તિઓ, લિંટેલ પર ગણપતિ, અને જાંબુડીયાથી સુંદર અલંકાર સાથે કોતરવામાં આવે છે.
નારાયણ સરોવર
નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે. તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. તેમનુ આ એક સરોવર છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે.
આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે. બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે. અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું.
મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો માટે પુષ્ટિ માર્ગના અનુયાયીઓ માટે પણ આ સ્થળ પાવન મનાય છે.
અહીં કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે.
માતા નો મઢ
એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ, માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું.
૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.
નારાયણ સરોવર વન્ય જીવન અભયારણ
લખપતનો કિલ્લો
લખપતનો કિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે, જે જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. ૧૮૦૧માં બંધાવ્યો હતો. લખપત ખાતે તે સમયે બંદર ધમધમતું હતું. ૧૮૫૧ પહેલા સિંધુ નદીના કિનારે આવેલ બંદરની રોજની એક લાખ કોરી કમાઇ આપતું હોઇ લખપતના નામે પ્રસિદ્ધ થયેલ હતું. જો કે એક માન્યતા મુજબ કચ્છના મહારાજા લાખાએ આ બંદર વસાવતા લખપત તરીકે ઓળખાયેલ હોવાનું મનાય છે. ઇતિહાસમાંની વિગત મુજબ ઈ.સ. ૧૮૧૯ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી હતા, જેઓને કચ્છ ક્રોમબેલ તરીકે પણ જાણીતા હતા, તેમના દ્વારા લખપતનો કિલ્લોનું બાંધકામ કરવામા આવેલ. આ કિલ્લો આજે પણ ભુતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઉભો છે. આજે લખપતમાં મોટા ફેરફારો થયા છે, પણ આ કિલ્લો આજે પણ જેમનો તેમ ઉભો છે. કચ્છમાં ૧૮૧૯ના વર્ષમાં અને ૨૦૦૧ના વર્ષમાં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા, છતાં આ કિલ્લો અડીખમ રહ્યો છે. આ કિલ્લાના નિર્માણકર્તા જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી વિશે કવિ કેશવરામે “ફતેહ સાગર” નામે ગ્રંથ રચ્યો હતો.